શનિ રવિની રજાઓમાં એક મિત્ર તેમના પત્ની સાથે મળવા આવ્યા.
આવનાર કપલ મહેમાન હતા, અને મહેમાનગતિ કરાવવી યજમાનની ફરજનો પ્રસંગ છે. ચ્હા-પાણી-નાસ્તાનો અવસર છે. સાથે બેસીને વિતાવવાની અમૂલ્ય પળોની ઉજવણીનો મોકો છે.

આવકાર સાથે તબિયત હાલચાલ પૂછતાં જ જિંદગી વિષેની વાતો શરૂ થઈ ગઈ. મહેમાને શરુઆત જ ફરિયાદથી કરી અને કહી દીધું કે સાલી આજકાલ ક્યાંય મજા જ નથી આવતી. દુનિયા ખૂબ સ્વાર્થી બની ગઈ છે.
સગા સંબંધી હોય કે મિત્રો, બધા જ પોતાનો સ્વાર્થ સાધવા માટે જ સંબંધ રાખે છે.

મહેમાને વાતનો મુદ્દો તદ્દન સાહજીકતાથી છેડ્યો હતો. કદાચ એમની ઈચ્છા મનની વાત કરીને હળવા થવાની હતી. અથવા અમારા અનુભવો ની ડાયરીમાંથી કોઈ અસરકારક ટીપ મળે એવી ઈચ્છા નકારી ન શકાય.

એમનો પ્રશ્ન સાવ સાદો હતો, આમ જોઈએ તો વાસ્તવિકતાથી નજીકનો અને સરળ હતો. પણ પહેલી ઓવરના પહેલાં જ બૉલમાં સિક્સર મારી બૉલને પેવેલિયન ની બહાર ફેંકી દેવાની એમની ઉતાવળે અમને નર્વસ કરી દીધા.

જો એમની દ્રષ્ટિમાં દુનિયા સ્વાર્થી લોકોથી ભરેલી હોય તો અમારી ગણતરી શેમાં થઈ છે એ વિચારીને એમને ચ્હા નાસ્તો આપવો કે લિમ્કા પીવડાવી વિદાય કરવા એ પ્રશ્ન ઉભો થયો.

જોકે એમની ઉલઝન સાવ ખોટી હતી એમ તો ન જ કહેવાય. પણ સમસ્યા હોય તો ઉકેલ પણ હશે ક્યાંક…!
સિચ્યુએશન રોટેટ કરતાં આપણે શીખવું જ પડે.
મોબાઈલ ફોન હેન્ગ થાય તો એને સ્વીચ ઓફ કરીને ઓન કરીએ તો પાછો ચાલુ થઈ જ જાય છે ને..તો આ તો આપણી જિંદગી છે.

આ ફેસબુકીયા પેઢી એક સરસ શબ્દ વાપરે છે, ઈગનોર મારો…

યસ… ઈર્ષાળુ, છીછરા કે અધૂરા લોકો ને ઈગનોર મારો .આવા અસલામત લોકો સ્વયં પોતાનાથી પણ અસલામતી અનુભવે છે, એવા લોકોને ઓળખી, આપણાં રેડીયસ માંથી સેઈફ ડીસ્ટન્સ પર દૂર કરો અને લાઈફને આપી દો એક મસ્ત રીસ્ટાર્ટ…😁😁

જગત આખું સ્વાર્થી લાગે ત્યારે આપણે આપણા અસ્તિત્વને એક નવો આયામ આપવો પડે. આપણે મસ્ત છીએ, આપણને જે અનકન્ડીશનલ પ્રેમ કરે છે એને એવો જ પ્રેમ કરો અને જે આપણને પ્રેમ નથી કરી શકતા એને કરો નમસ્કાર…🙏🙏🤣

Rita Thakkar

Advertisements

સર્જીકલ સ્ટ્રાઈક

ગઈકાલથી આ ફલક પર ૧૦૦ માંથી ૯૦ પોસ્ટ ભારતીય સેનાને મુબારકબાદીની જોઈ.ીવું લાગે છે જાણે આખો દેશ ઉતસવ મનાવી રહ્યો છે.જ્યાં જુઓ ત્યાં દેશપ્રેમી પોસ્ટ અને પોસ્ટમાં દેશપ્રેમ. દેશપ્રેમી પ્રજાની બધી જ વાતો આજે સેનામય બની છે.
વોટસ એપ અને ફેસબુક પર દેશભક્તિને લઈને જાત-જાતના મેસેજો ફોરવર્ડ થઈ રહ્યા છે.દેશપ્રેમના ઉન્માદમાં લોકો શું ફોરવર્ડ કરે છે એના પર ભાગ્યે જ નજર કરતાં હશે. દરેકને એમ થાય છે કે હું આ વાત એકલો/એકલી જ જાણું છું અને ઝડપથી બધાને જણાવી દઉં.

આજે જીમથી પાછા ઘરે આવતાં અચાનક ગાડીના બોનેટ પર કોઈ આવી ગયું, હાથમાં મોબાઈલ-મુકાભૈનું આપેલું સસ્તાભાવનું ઈન્ટરનેટની મહેબાનીના લીધે વોટસએપ પર મગ્ન હતો એ હીરો.
જુના ગુજરાતી પીકચરના હીરો જેવો દેખાવ,ઢાંકણી પર તગારાનું વજન આવી ગયું હોય એવો ગોળમટોળ. જીમમાં એક્સરસાઈઝ માટેના બૉલ જેવું મોટું પેટ. અચાનક ગાડી સામે આવી જતાં બેઉ હાથ બોનેટ પર મુકી દઈ બેલેન્સ જાળવતી વખતે રબરનો બોલ ટપ્પી ખાઈ જે રીતે વાઈબ્રેટ થાય એવું એનું પેટ પણ વાઈબ્રેટ થતું હતું. હજુ આ બધ સ્પંદનો શમે એ પહેલાં એ ગોળમટોળ બૉલ ઘુંટણની ઢાંકણી પર તગારૂ ગોઠવાય એમ ગોઠવાઈ ગયો.

ગાડીનો દરવાજો હળવેથી ખોલી હું બહાર આવી, અને એને કહ્યું ..ભાઈ આમ મારા જેવા લાયસન્સ વગરના અણગઢ ગુનેગાર ડ્રાઈવર સામે તમે ઘૂંટણિયે પડી જાવ એ યોગ્ય ના કહેવાય. ઉભા થાવ અને મારા પર વળતી સર્જીકલ સ્ટ્રાઈક કરો.

બિચારા ઘુંટણ પર પડેલા મારનું દર્દ સહી શક્તા નહોતા, હાથમાં પકડેલો મોબાઈલ મારા એક હાથમાં પકડાવ્યો અને મારા બીજા હાથનો ટેકો લઈ પરાણે ઉભા થતાં બોલ્યાં..

આંટી….તમારો વોટસએપ નંબર આપો,આ જુઓ, મારી પાસે ભારતે પાકલા પર કરેલી એર સર્જીકલ સ્ટ્રાઈકનો ઓરીજીનલ વીડીયો છે એ તમને મોકલું.
અને જય હિન્દ જય હિન્દકી સૈના બોલતા બોલતા ફરી ફસડાઈ પડ્યાં.

Copy paste from Dhara Shukla Facebook

21st February – વિશ્વ માતૃભાષા દિવસ

આપણી મા જેટલી આદરણીય છે, એટલી જ બીજાની મા પણ આદરણીય હોય છે. અલબત્ત, સ્વયંની માને ‘સુપર મૉમ’ દેખાડવામાં આપણે સૌ ક્યારેક બીજી માતાઓને તુચ્છ તો નથી દેખાડતા ને? માતૃભાષા – ગુજરાતીનું ગૌરવ હોવું જ જોઈએ, પણ, ગુજરાતી ભાષાનાં ગુણગાન ગાવામાં બીજી ભાષાઓ, ખાસ તો અંગ્રેજીને નીચી સાબિત કરીને તો હરગિઝ નહીં.

માતૃભાષાને અવશ્ય આલિંગન આપો, વ્હાલથી ભેંટીને એને ચૂમી ભરો, પણ બીજી ભાષાનો આદર કરતાં પણ શીખો. કેમકે, દરેક ભાષા, દરેક સંસ્કૃતિની આગવી ઓળખ છે, અદકેરું મહત્વ છે, પોતાની અસ્મિતા છે.

વિશ્વ માતૃભાષા દિવસે આજે સૌ કોઈ ગુજરાતી ભાષાનો જયઘોષ કરશે અને કરવો જ જોઈએ એમાં બેમત નથી. કિંતુ, સોશિયલ મિડીયા પર અંગ્રેજી ભાષાને ભાંડતા, ઊતારી પાડતા સુફિયાણા મેસેજીસ કે ભદ્દા જૉક્સ ફરતા હોય છે એ વાંચીને થાય કે લખનારને અંગ્રેજી નથી આવડતું એટલે પીડનવૃતિથી પ્રેરાઈને અંગ્રેજી અને અંગ્રેજી કલ્ચરને ગાળો ભાંડે છે, અથવા તો સમજ્યા-વિચાર્યા વગર જ કંઈ પણ ભચડે રાખે છે. પાછી તાજ્જુબની વાત એ છે કે ‘અંગ્રેજી અને એના કલ્ચરની આડઅસર’ ના મેસેજીસ અને જૉક્સને 4G ની ગતિએ, ધૃતરાષ્ટ્ર નજરે ફૉરવર્ડ કરતા લોકોનાં બાળકો અંગ્રેજી માધ્યમમાં જ ભણતા હોય છે.

અંગ્રેજી આજે વૈશ્વિક ભાષા છે, મને-કમને, ગમે કે ન ગમે એ સ્વીકારવું જ રહ્યુ! બાળક ગમે તે માધ્યમમાં ભણે, પણ માતૃભાષાની સાથે કમ્યુનિકેશન પૂરતું અંગ્રેજી આવડવું આવશ્યક થઈ ગયું છે. બાળક અંગ્રેજી માધ્યમમાં ભણતું હોય તો ઘેર અચૂક એની સાથે માતૃભાષામાં વાત કરો. કિંતુ, જો બાળક ગુજરાતી માધ્યમમાં ભણતું હોય તો અંગ્રેજીનું મહત્વ સ્વીકારીને, સમજીને એને અંગ્રેજી ભાષા તરફ પણ વાળો. અંગ્રેજી બાળવાર્તા, પુસ્તકો વાંચવા આપો, સારી સ્પીચ મૉબાઈલમાં સંભળાવો.

મારું શાળાકીય ભણતર ગુજરાતી માધ્યમમાં થયુ છે. એટલે જ ધાણીફૂટ અંગ્રેજી બહુ ફાવતું નથી. ઈનફેક્ટ, મારું અંગ્રેજી ગુજરાત એક્સપ્રેસ જેવું છે, દરેક સ્ટેશને રોકાઈ રોકાઈને ચાલે. જ્યારે હકીકત એ છે કે, જમાનો હવે બૂલેટ ટ્રેન તરફ આગળ વધી રહ્યો છે. સ્વાનુભવ પરથી લખુ છું કે ગુજરાતની બહાર નીકળીએ કે અંગ્રેજીની અહેમિયત આપોઆપ સમજાઈ જાય.

બાકી રહી વાત, ભાષા વૈભવની, તો, પરિવર્તનનાં પવનમાં દરેક ભાષામાં વખતોવખત ફેરફાર આવે જ છે. નરસિંહ મહેતાના સમયની ભાષા હવે નથી બોલાતી કે લખાતી. જૂનું જશે અને નવું આવશે જ… નિયતિનો ક્રમ છે આ તો… ભાષાને સમયનાં ઝરણામાં વહેવા દો. અમુક જૂના શબ્દો, જૂની સ્ટાઈલ, જૂની લખાણ શૈલી, જૂની લઢણનાં સ્થાને નવાનું આગમન થશે જ… માટે જ ‘ચીલ’ મારો યારો…

સરકાર વિરુધ્ધ કોઈ એક અક્ષર ભૂલેચૂકે ઊચ્ચારે તો મોદી ભક્તો એને એન્ટી મોદી સમજી બેસે છે, એમ જોજો હોં, મારા ઊપર્યુક્ત લખાણને લીધે મને પણ ‘એન્ટી ગુજરાતી’ કે ‘માતૃભાષા વિરોધી’ સમજી ન બેસતા. મારે માટે તો ગુજરાતી ભાષા મારો આત્મા છે અને અંગ્રેજી ભાષા મારું અંગ છે. જેમ આત્મા વગર શરીર નિશ્ચેતન છે, એમ શરીર વગર આત્મા પણ જ્યાં ત્યાં ભટકે છે.

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે, થોડા વર્ષો પહેલા લખેલી પંક્તિઓ આજે અહીં રજૂ કરુ છું.

‘મ‘ માતૃભાષાનો ‘મ‘ કેમ કરીને વિસરાય?

‘અ‘ અંગ્રેજીનાં ‘અ‘ ની અક્કડતા પોષાય

કિંતુ, હ્રદયનો વાર્તાલાપ તો માતૃભાષામાં જ થાય.

અંગ્રેજી છે ‘ફની‘ ભાષા,

ગુજરાતી છે ‘હની‘ ભાષા.

હું છું ગુજરાતી,

મારું અસ્તિત્વ છે ગુજરાતી ભાષા થકી.

ગુજરાતી ભોજન ભાવે છે,

ગુજરાતી ભજન ગમે છે.

આતિથ્ય ને આદર મારી સંસ્કૃતિ,

સહિષ્ણુતા ને ઉદારતા એ જ મારા સંસ્કાર.

જીહા, હું છું ‘ગ્રેટ‘ ગરવી ગુજરાતણ

હું છું ગુણવંતી ‘ગ્લૉબલ’ ગુજરેજીયણ.

( ગુજરાતી + અંગ્રેજી = ગુજરેજી )

happy birthday fb

અતિશય પ્રિયમિત્ર ફેસબુકને #જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

હા અતિશય પ્રિય કારણકે…

પહેલો પ્રેમ ભુલાય નહીં તેવુ બહુ જગ્યાએ સાંભળેલુ,વાંચેલુ પણ જોયેલુ નહીં…જેથી હું તો એવું માનતી કે આવો પ્રેમ પરીકથામા જ હોય વાસ્તવિક દુનિયામાં નહીં…પણ આ મારો ભ્રમ ફેસબુકે ભાંગી નાખ્યો.

કમ્યુટર અને ઈન્ટરનેટ યુગના પ્રારંભથી જ આપણે જાતજાતની વાતો જ્યાંને ત્યાં સાંભળીએ કે વાંચીએ છીએ જેવીકે કોઈ ગંજેરી એના રોજના ક્વોટા વગર વલખાં મારે એવી હાલત ઈન્ટરનેટના બંધાણીઓની છે,તો કોઈ મનોચિકિત્સક ડોક્ટરે તો ઈન્ટર્નેટને ગાંજા-ચરસના વ્યસન જેટલું જોખમી કહેલું છે. ખેર…આજે આપણા બીલવ્ડ ફ્રેન્ડ ફેસબુકને કોણે કેટલું વગોવ્યું છે એની લાંબી ચર્ચા નથી કરવી,પણ મને શું આપ્યું છે એ ફોકસ કરીશ.

હજુ થોડા વર્ષો પહેલાં પતિ-બાળકો આવે ત્યારે ગરમ રોટલી ઉતારીશ એમ વિચારી એક્તા કપૂરના સાસુ-વહુના કકળાટ-કાવાદાવા-કાવતરા-પ્રપંચ જોવા ટીવી સામે કલાકો બેસી રહેતી. સાસબહુની તુલસી કે બાલિકાવધૂ આનંદી ને પડતી તકલીફો ની અસર એવી થતી કે જાણે હું પણ તુલસી કે આનંદી જેટલીજ દુઃખી રહેતી.

એમાં એક દિવસ દિકરીએ કહ્યું…આ ટીવી બંધ કર,ચલ તને ફેસબુક શીખવાડું.
તારા સ્કુલ-કોલેજના મિત્રો શોધી કાઢ અને એમની સાથે ફરી વાતોએ વળગ, આ દુખીયા ડાચા જોવાનું બંધ કર.
ફેસબુક એકાઉન્ટ કરી આપ્યું ત્યારે મને જાણે સ્વીસબેંકમાં ખાતું ખોલાવી આપ્યું હોય એવો અહેસાસ થયેલો.
શરુઆતમાં થોડા સગાં-વ્હાલાં સિવાય કોઈ મિત્રમંડળમાં નહોતાં..
પણ ખાસમિત્ર ઝુકર રોજ આવીને ‘પીપલ યુ મે નો’ માં તમને બધાને વારાફરતી લઈ આવતો , તો ક્યારેક મ્યુચ્યુઅલ ફ્રેન્ડસના બહાને તમારો મૈત્રી માટે લંબાયેલો હાથ બતાવી દોસ્તી કરાવી જતો.

રોજબરોજ બનતી નાનીનાની વાતોને ક્યારેક હું વાર્તારુપે લખતી તો ક્યારેક વાહિયાત મજાકરુપે…!!પણ દરવખતે ફેસબુક એક ઉત્તમકૃતિ હોય એવો અહેસાસ કરાવી દુનિયાના ખૂણે-ખૂણે બેઠેલા મિત્રો પાસે લઈને પહોંચી જાય, અને એમનો પ્રતિભાવ તરત મને પહોંચાડી મને દોસ્તીની દુનિયાના સાતમા આસમાને બેસાડી દેતો.
એકતરફ લોકોએ આ સ્માર્ટ ફેસબુકને વગોવાવાનુ શરું કર્યુ કે એ તમારો ટાઈમ ખાઈ જાય છે, ફેસબુકની લતના કારણે લોકો પોતના પરિવારજનો-દોસ્તો સાથેનો સંપર્ક ગુમાવી રહ્યા છે, પોતિકાપણાની ભાવનાનો અભાવ આવી રહ્યો છે, માણસ ખોટી બનાવટી જિંદગી જીવી રહ્યો છે બ્લા…બ્લા…બ્લા…!!
અને બીજી તરફ ફેસબુકે અતિઉત્તમ મિત્રની જવાબદારીઓ નિભાવવા માંડી.

વિદ્યનગર-આણંદ જેવા નાના ટાઉનમાં બેઠેલી રીટાને હજ્જારો કિલોમીટર દુર રહેતાં – ક્યારેય ના જોયેલા એવા મિત્રો ઓળખવા માંડ્યા. પરદેશ બેઠેલી દિકરી મંમીના ફેસબુકે આપેલા મિત્રોને ઓફિસિસલ ગાર્ડીયન્સ તરીકે ઓળખાવા લાગી.
ફેસબુકે દોસ્ત બનીને દોસ્તીની ખાણ જ આપી દીધી. ઝુકરે આપેલા મિત્રોના નામ લખીશ તો નક્કી સો-બસ્સો મિત્રોને ખોટું લાગશે કે અમારું નામ ક્યાં છે?

ફેસબુકે મને અભિવ્યક્તિની આઝાદી આપી,શબ્દોને આકાર આપતાં શીખવ્યું,નવો દ્રશ્ટીકોણ નવો અભિગમ નવું વિચારવાની દિશા આપી.
ખુબ બધું આપ્યુ સાથે સાથે થોડી મીઠી ઈર્ષા પણ આપી.
ધ્રુતિકા સંજીવ-ગૌરાન્ગ અમીન-હેમલ વૈશણવ જેવા મિત્રો વર્ષો સુધી ફેસબુક પર લખ્તાં રહી ચિત્રલેખા-અભિયાન કે દિવ્યભાસ્કરના લોકપ્રિય લેખક બની ગયા છતાંય ફેસબુકને સતત વળગી રહ્યા છે એ ફેસબુકની સફળતાની નિશાની છે.
છેલ્લે…
કેટલાંક લોકો મારા પ્રિય ફેસબુકને છોડીને જતાં પણ રહે છે…
એ લોકો ફેસબુકના કહેવાતા ગેરફાયદાઓને ગળે વળગાડી લેતા હશે.
આપણે આપણી જાતને બાંધી લેવાથી સમયને વહેતો નહીં રોકી શકીએ, સંબધોના આ નવા પરિમાણને સ્વીકારી પરિવર્તનને માણી લેવાની આ સાદી અને સરળ સમજ મને મારા ખાસમખાસ મિત્ર ફેસબુકે જ આપી.

#પ્રિયફેસબુક_તુમ_જીઓ_હજારોસાલ_સાલકે_દિન_હો_દસહજાર

Striking up a New friendship after 40 – Not so Easy.

શોશ્યલ મીડીયાના આગમન સાથે દોસ્તીના આઠેય દરવાજા ખુલી ગયા, પણ દોસ્તો દૂર જતા રહ્યા.
આખો દિવસ… ચોવીસે કલાક આંગળીના ટેરવે મિત્રો સાથે ચિટચેટ શક્ય બની ગયું, જ્યાં અને જ્યારે મન થાય ત્યારે ગમે તેની સાથે ઓનલાઈન કનેક્ટ થઈ શકો છો.
મતલબ…
ફેઈસ-ટુ-ફેઈસ રીલેશનશીપ નો અંત આવી ગયો.
ચહેરો જોઈને, આંખ માં આંખ મિલાવીને દોસ્તી કરવાના દિવસો શોધવા નીકળવું પડે એવો સમય આવ્યો.

એમાં પણ…

ચાલીસી વટાવ્યા પછી નવા મિત્રો શોધવા ખૂબ અઘરું છે. જ્યાં મિત્રો મળવાની સૌથી વધુ શક્યતા છે એ સ્કૂલ-કોલેજ તો ક્યારની યે પતી ગઈ હોય . કામકાજ કરતા હોય તો, ત્યાં પણ અમુક વર્ષો પછી એના એ જ માણસો..એનો એ જ સ્ટાફ..મોનોટોનસ લાગે.

સરસ દોસ્તી માટે દોસ્તના વાસ્તવિક જીવનમાં ડોકિયું કરવું પડે. ચાલીસી એ જ ચાન્સ ઝૂંટવી લે છે. ઘર, પરિવાર બાળકો અને અગણિત જવાબદારીઓ જ જીવનનો પર્યાય બની જાય છે. નવા નવા મિત્રો બનાવવાની ઉંમરનો અચાનક અંત આવી જાય છે.

હા, તમે મંદિર કે કોઈ શોશ્યલ ક્લબ સાથે જોડાયેલા હોય તો નવી દોસ્તીનો ચાન્સ થોડોઘણો રહેશે.

એમાં પણ આજે તો એ પરિસ્થિતિ છે કે તમે મંદિરે જાઓ કે કોઈ ક્લબમાં કે પછી બસસ્ટેન્ડમાં દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ માં, પોતાની આગવી આભાસી દુનિયામાં જ વ્યસ્ત છે. બાજુમાં ઉભેલા વ્યક્તિ સાથે પરિચય કરવાની એને ફુરસદ નથી. એક જમાનામાં આ બધી જગ્યાઓ શોશ્યલ ક્લબ તરીકે ઓળખાતી.

અંગ્રેજીમાં મિત્રને companion પણ કહેવાય, એનો સીધો અર્થ કંપની આપનાર મિત્ર થઈ શકે.
કંપેનિયન શબ્દ મૂળ લેટીન ભાષાનો છે.
Pan means bread and com means with or together.
મારી ચરોતરી બોલીમાં કહું તો સાથે બેસીને રોટલા ખાય એને દોસ્ત કહેવાય. એટલે કે, સાથે બેસીને અડધી અડધી ચાય પીવે એ દોસ્તી છે. ચાલીસીએ પહોંચતા પહેલાં જ મન થાય એ મિત્રને મળવા ઘેર બોલાવવા કે એના ઘેર પહોંચી જવું એ સખીઓ/બહેનોએ તો લગભગ ગુમાવી દીધેલ ખુશી છે, ભાઈઓ/મિત્રો તેમની ફીલીગ્સ શેર કરજો પ્લીઝ.

નવા જમનાનું આ શોશ્યલ મીડીયા/ વર્ચ્યુઅલ કોન્ટેક્ટ ઈઝ નોટ પર્સનલ કોન્ટેક્ટ. પોસ્ટ પર લાઈક કમેન્ટ કરી કે શેર કે રીટ્વીટ કરી દો, બર્થડે કે એચિવમેન્ટ પર મફતિયા ફૂલોનો મોટામાં મોટું બુકે ચોંટાડી દો એને દોસ્તી ના કહેવાય.

છતાંય મને ફેસબુક ગમે છે કારણકે,
ઝુકરબર્ગે ફેસબુક આપતા શાહરૂખ ખાનનો પેલો ડાયલોગ ‘લડકા લડકી કભી દોસ્ત નહીં બન શકતે’ એને ધરમૂળથી ઉખાડીને ફેંકી દીધો. અહીં છોકરો છોકરી,સ્ત્રી પુરુષ સારા મિત્ર બની શક્યા છે,આ ઝુકરનુ આ વર્ચ્યુઅલ ચીટચેટ દોસ્તીનું પ્રથમ પગથિયું બની શકે છે.

પણ…

એમાંય ચાલીસી પછી…
એક રીસ્પોન્સિબલ એડલ્ટ માટે તો એમાંય સમસ્યાઓ છે જ. ટીનએઈજમાં જ્યારે પરિવાર ની જવાબદારી ના હોય તેવી ઉંમરે ગમે ત્યારે ગમે ત્યાં મિત્રોને મળવા પહોંચી જવાય છે. એના ખભે હાથ મૂકીને કેટલાય કીલોમીટર ચાલી નીકળાય છે. એકવાર જોઈ લીધેલા મૂવી ફરી ફરીને જોઈ લેવાય છે પણ જ્યારે તમે એક પરિવારના જવાબદાર વ્યક્તિ બની જાવ ત્યારે આ દોસ્તીના બધા અહેસાસ કોરે મૂકી દેવા પડે છે. અનનોન ફ્રેન્ડસ ને મળવાની વાત પર કેટલાય પ્રકારના પ્રશ્નો ઉભા થાય, આવી ઉંમરે પતિ કે પત્ની તો આંખો ઝીણી કરીને જોવે પણ ઉગીને ઉભા થતા બાળકો પણ સવાલ કરે, અને એનો સામનો કરવો બધા માટે શક્ય નથી.

સાચ્ચે જ…

એક ઉંમર વીત્યા પછી દોસ્તી કરવી અઘરી છે. આ ફલક ફલક પર તો ખાસ..!
અને કદાચ જો થઈ જાય તો એને નિભાવવી એનાથીય અઘરી છે.
એકલતાના સમયે આભાસી ફલક પર જે સખી-સખાઓએ કંપની આપી હોય એને ઘરના નાના મોટા પ્રસંગે પણ આમંત્રિતના લિસ્ટમાં એમને બાકાત રાખવામાં આવે.

લગભગ બધા જ મિત્રો આવા અપ્સ એન્ડ ડાઉન માંથી પસાર થતા જ હશે.

#એક_વિચાર_જે_મન_ડહોળી_ગયો.

_rita

ડેડીકેટેડ ટુ ઓલ બેડોળમોમ્સ ઓન ધ અર્થ…

આ પહેલા પણ બાળકો પછી બેડોળ બનતી સ્ત્રીઓ પર લખાયું જ છે,જ્યાં મેં બોલવાનું ટાળ્યું હતું. પણ આજે મને કશુંક કહેવાનું મન થાય છે કારણકે કાલે મધર્સ ડે છે..!
આ એક હકીકત છે કે બાળકોના જન્મ પછી સ્ત્રીનું સૌંદર્ય બરફના ટુકડાની જેમ ઓગળવા માંડે છે.આઈબ્રોની સુંદરતા માટે પાર્લર કરતાં બેબીડાયપરનું મહત્વ વધી જાય છે. ગુલાબની પાંખડી સમા બે હોઠોની સુંદરતા માટે લિપ્સટીક કરતાં હજારગણું પ્રભાવશાળી બેબીસ્માઈલ દિલ પીગળાવી જાય છે.

પ્રેગનન્સીના નવ મહિનામાં એક સ્ત્રીની આખી દુનિયા અપસાઈડ ડાઉન થઈ જાય છે. નવ મહિનામાં સ્ત્રી દેખાવ ગુમાવે છે પણ સામે એની ઝેરોક્સ દુનિયા સમક્ષ મુકી જ દે છે.નવ મહિના પુરા થયા પછી શરુ થાય છે એક મોટી પરીક્ષા..બાળકને મોટું કરવાનું..!!

બાળકનો જન્મ થતાં જ માં પોતાને એના પરિવારની રાણી સમજવા લાગે છે અને બાળક માટે ખુબ પઝેસિવ બની જાય છે…. એ ઈનફન્ટબેબીને કોઈકની આગળ મુકીને ટોયલેટ પણ ના જઈ શક્તી એક માં મોર્નિંગવોક,જીમ કે યોગા કરવા નીકળી પડે એ કલ્પના જ અતિશયોક્તિ ભરી છે…અને હા..આ પણ સ્ત્રીઓ કરતી હશે જેને એના શારીરીક દેખાવની કિંમત મળતી હોય. જેમ જેમ બાળક મોટું થાય એમ જવાબદારીઓ વધતી જાય છે, દરેક માં ના જીવનમાં દસથી બાર વર્ષ એવાં આવે છે જ્યાં તેઓ મિરરમાં પોતાને જોવાનું પણ ભુલી જાય છે….અને આ સમયગાળામાં એને વારસામાં મળેલા જીન્સ મુજબ એનું શરીર કદ ધારણ કરી જ લે છે.

જોકે…આ બધાં પરિબળોની આડશમાં સ્ત્રીઓ છટ્કબારી શોધી બેદરકાર બને છે એ પણ એક હકીકત છે જ્..

-rita

#happy_mothersday

હે ડીયર માડી….ઈઝ શી રેડી ટુ મુવ હીયર??

તું પાગલ તો નથી થઈ ગયો?? શ્વેતાનો જન્મ જ યુ.એસ.એ. માં થયો છે,એના મંમીપપ્પા પાંત્રીસ વર્ષથી ત્યાં મુવ થઈ ગયા છે, લોકો ઈન્ડીયાથી યુ.એસ.જવા ફાંફા મારતા હોય ત્યાં ત્યાની સીટીઝન છોકરી પાસે એવી અપેક્ષા કેમ રખાય કે એ અહીં મુવ થાય. એનો પરીવાર એને આવવા જ ના દે.

એમ્??

તો મારો ય જન્મ અહીં ઈન્ડીયામાં જ થયો છે અને મારો પરિવાર અહીં જ છે, તોય મારી માં મને યુ.એસ.ની છોકરી જોડે પરણાવીને ત્યાં તગેડવાના સ્વપ્ના કેમ જોતી હશે??

ના કહી દો ડેડી એ લોકોને…મને એ છોકરીને મળવામાં જરાય રસ નથી.
નિસર્ગના આ શબ્દો ભાર્ગવીબેનના દીમાગમાંથી ખસતાં નહતાં.

કાલ સુધી મારાથી દૂર જવાની ના કહેનારો આજે મુંબઈ રવાના થઈ જશે.
જોબ પ્લેસમેન્ટ ત્યાં આવ્યું છે ત્યારથી કેવો ખુશ છે?

એની પ્રગતિ જોઈ અમે પણ કેટલાં હરખાઈએ છીએ, તો પછી એના ડેડી બાથરુમમાં જઈને છાનુંમાનું કેમ રડી લેતા હશે?? એ હરખનાં આસું છે કે નિસર્ગ હવે હલતાંચાલતાં ઘરમાં નહી અથડાય એની વેદના??

અને નિસર્ગ પણ…

છેલ્લા ચોવીસ કલાકમાં દસ વાર બોલી ચુક્યો છે રહેવા દઉં માડી…મારે કંઈ મુંબઈ નથી જવું…ત્યાં મને ગમવાનું જ નથી.

બીજી એક સાવ નિખાલસ વાત….

કે હું કોઈ વિવેચક નથી કે કોઈ વિદ્વાન વિવેચકોના પેંગડામાં પગ ઘાલવાનો મારો પ્રયત્ન પણ નથી..”દીકરો અને દીકરી એક સમાન” સુત્ર આપણે વાસ્તવિક જીવનમાં કેટલું અપનાવ્યું છે એ સવાલ છે.લેખકમિત્રોએ જ્યારે-ત્યારે દીકરીના પ્રેમ અને દીકરીની વિદાય વિશે કવિતાઓ અને લેખો લખીને કૃતિઓ ભરી દીધી….ઉડીને આંખે વળગે એવી બાપ-દીકરીના પ્રેમની ખુબીઓ અને ગહન વાતોને ચોટદાર રીતે રજુ કરી ..પણ દીકરો ઘરથી દૂર જાય ત્યારે માં-બાપને કન્યાવિદાય કરતાં પણ વિશેષ દુઃખ થાય એ વિષયને અન્યાય થતો રહ્યો.

નિસર્ગ સાથેની મારી માતૃત્વની લાગણી જીન સ્વરુપે મારા વિચારો પર આધિપત્ય જમાવી બેઠી છે, મગજના ક્યાં ખૂણામાંથી દીકરાથી દૂર થવાની લાગણી મારા રોમેરોમને કંપાવી રહી છે…મારી આંગળીઓ કોમ્પ્યુટરના કીબોર્ડ પર આપોઆપ ધ્રુજતી ધ્રુજતી ચાલી રહી છે,આસાનીથી અઢાર-વીસ પ્રકરણ લખાઈ જાય એવી મા-દીકરાંના પ્રેમની વાતો મગજમાંથી જુવાળની પેઠે બહાર આવવા તરફડી રહી છે…

પણ ના… ‘તમારી પૂજા-પ્રાર્થના… મોટેથી બોલો તો તેની તાકાત ગુમાવે છે. પ્રાર્થના પ્રભુને નહિ, પણ જગતને સંભળાય છે.’એવી જ રીતે મારે પણ મારી લાગણીનું પ્રતિબિંબ માત્ર નિસર્ગની આંખોમાં જોઈએ…!!

નાનો હતો ત્યારે એ મારો હાથ પકડી રાખતો..અને હું પણ એનો હાથ પકડી રાખતી..એની પ્રગતિની આ સફરમાં પણ અમે એકમેકનો અરસપરસ હાથ પકડી રાખીશું…એમાં અમારે સ્થુળ રીતે સાથે રહેવાની ક્યાં જરુર્???

મારી આ કૃતિની પ્રેરણાબળ એવા ભાર્ગવીબહેનનો દિલથી આભાર…
rita..