વરસાદ જોરમાં આવતો હતો, સેજુ ક્લાસમાંથી બહાર આવીને શેડમાં ઉભી રહી ગઈ. એની પાસે છત્રી-રેઈનકોટ કંઈજ નહતું. વરસાદ સાથે સુસવાટાબંધ પવનથી એ ધ્રુજતી હતી,કેવી રીતે ઘેર પહોંચશે? ઘેર પહોંચીને પણ કહેશે કેવી રીતે કે શાળામાં ફી નહી ભરે તો કાલથી દાખલ થવા નહીં દે. બાપુ લાકડા કાપતાં કુહાડી વગાડી બેઠા છે ત્યારથી મજૂરીએ જઈ શક્તા નથી અને મા લોકોના ઘરકામ કરીને કેટલુ પુરું પાડશે? બાપુની દવાનો ખર્ચો, ઘરનું ભાડું,ત્રણજણના ખાવાના ખર્ચા, ઉપરથી મારી શાળાની ફી અને ચોપડીઓ..!!

પલળતી પલળતી ઘેર પહોંચી, વિચારોમાં જ અટવાઈને ખાતાં જ સુઈ ગઈ.

સવારે ઉઠી ત્યારે મા એ શાળાની ફી અને નોટો ચોપડીઓ લાવવાના પૈસા આપ્યા.

” લે બેટા, રસિક શેઠે તને ભણાવવાની બધી જવાબદારી લઈ લીધી,હવે તું દિલ લગાવીને ખુબ ભણવા લાગી જા.”

“રસિક શેઠ બહુ સારા છે નહીં મા..??” સેજુ ખુશ થતાં બોલી.

“બધા શેઠીયા સરસ હોય છે આપણે સારા હોઈએ તો. ” મા એ એકવાક્યમાં જવાબ આપી વાત પુરી કરી.

સાંજે સ્કૂલેથી આવી ત્યારે તેનું ધ્યાન નવી નક્કોર સાડી અને લાલી-લિપસ્ટીકથી સજ્જ થયેલી મા પર પડ્યું. તે ધબકારો ચુકી ગઈ, તેને અચાનક બધુંજ સમજાવા લાગ્યું, મા ના શબ્દો-“બધાય શેઠીયા સરસ હોય છે આપણે સારા હોઈએ તો.” અને એ બોલતા ધસી આવેલા મા ના આંસુ.

વગર વરસાદે તેની આંખો ધોધમાર વરસી પડી.
-rita
16/9/2016

Leave a comment