2020

સમયનો સ્વભાવ છે સતત સરકતા રહેવાનો. દરેક વર્ષે એવું જ લાગે કે નવું વર્ષ બહુ જલ્દી આવી ગયું. હજુ કાલે તો જાણે મિલેનિયમ-૨૦૦૦ ની જોરશોરથી ઉજવણી કરેલ ને આજે ૨૦૨૦..!! વીસ વર્ષનો ગાળો જાણે વીસ દિવસમાં વીતી ગયો. હજુ થોડા વર્ષો પહેલાં નવાવર્ષ ટાણે સારા કેલેન્ડરની શોધ રહેતી હવે બધું જ ડિજીટલ થઈ ગયું.આપણા બધાની લાઈફ પણ ડિજીટલ થઈ ગઈ. ગ્રીટીંગ કાર્ડસ ને કેલેન્ડર ડીજીટલ થઈ ગયા. ડીજીટલ શુભેચ્છાઓનો ધોધ વોટસએપ પર અને ફેસબુક-ઈન્બોક્સ પર વહેતો જ રહે છે, ફેસ્ટીવલના દિવસોમાં તો ફોનને અસ્થમા થયો હોય એવી રીતે રીતસર હાંફતો હોય છે. વાર-તહેવારના દિવસોમાં ફોનને ઓવરઈટીંગ થઈ જતાં પાચન કે જુલાબની ગોળીએ કામ ના પતે તો એનિમા પણ આપવો પડે છે. આજની આ વર્ચ્યુઅલ દુનિયામાં બધાને કોઈપણ રીતે કોઈપણ ભોગે કનેકટેડ રહેવું છે. આ કનેક્ટેડ રહેવાની લ્હાયમાં જ કોઈની પણ સાથે “એટેચ્ડ” રહી શક્તા નથી. સમય જે જન્મની સાથે આપણને મફત ભેટરુપે મળે છે એની આપણે કિંમત અંદાજી શક્તા નથી. જેને સમય આપવો જોઈએ એને આપતા નથી અને જેને આપણા સમયની પરવા નથી એની પાછળ સમય વેડફતાં રહીએ છીએ.

સમયની ફિતરત છે સરકતા રહેવાની, એક રિધમમાં એ સતત ચાલતો રહે છે,બધું જ બદલાતું રહે છે.અલગ અલગ રુપ ધરીને સમય આપણને નચાવતો રહે છે. રંગ બદલવામાં સમય કાચિંડાને પણ મ્હાત આપી શકે એમ છે. આપણામાં પણ ઘણું બધું સમય સાથે બદલાતું જ રહે છે. ઝુકરની આપેલ મેમરીમાં ડોકીયું કરીએ તો મગજ સુન્ન થઈ જાય કે આપણે આવા હતા?? માત્ર મિત્રો જ નહીં આપણા વિચારો, પસંદગી અને આપણા શબ્દો પણ કેટલાં બદલાઈ ગયા..!! કેટલીકવાર તો સાવ અપસાઈડ ડાઉન થઈ ગઈ હોય એમ લાગે. આમ છતાંય અમુક બેઝીક છે જે નથી બદલાતું, બસ એ સુષુપ્ત અવસ્થામાં જતુ રહ્યુ હોય છે.એને ફરી ધબકતું કરવા બસ એક હળવા ધક્કાની જરુર હોય છે.દુનિયાની કોઈપણ ફિલોસોફીને લઈ લ્યો,દરેકમાં એક્વાત કોમન જોવા મળશે કે “લીવ એન્ડ લેટ લીવ” કેટલી સામાન્ય લાગતી આ વાત આપણે અપનાવી શક્તાં જ નથી.

આમ તો નવા વર્ષમાં લોકો રીઝોલ્યુશન્સ(સંકલ્પ) કરતાં હોય છે કે આટલું આટલૂ કરવું છે અને ફલાણું ફલાણું નહીં જ કરું , જે બે-ચાર દિવસમાં જ કડડભુસ થઈને તૂટી જાય છે માટે મારે કોઈ સંકલ્પ કરવો નથી.

પણ હા…

એક કોશિશ કરવી છે…
થોડુંક હસવાનું વધારવું છે, અડધી સદી વિતાવી ચુકેલી, બોનસ જેવી આ જિંદગીને થોડીક વધુ જીવવી છે.

દિવાળીની શુભેચ્છા મુલાકાતના બહાને અમદાવાદમાં એક પટેલ પરિવારના ઘરે જવાનું બન્યું. આ વર્ષે ઓકટોબર-નવેમ્બરમાં પણ વરસાદના કારણે અમુક શાકભાજીના ભાવ આસમાને છે, ત્યારે આ યજમાને રીંગણ-ટમેટા-કારેલા-દુધી અને મરચાનો ઢગલો મને ભેટરુપે આપ્યો.

મારા કુતુહલને સંતોષવા તેઓ મને એમના ‘કીચનગાર્ડન’ માં લઈ ગયા.
સામાન્ય રીતે આપણે ત્યાં હોય છે એમ કીચન-ડાઈનીંગ એરિયાની બહાર પાંચ-સાત ફુટનો લાંબો પટ્ટો જેને ફેન્સીભાષામાં બેકયાર્ડ કહેવાય અને અમે દેશીલોકો ચોકડીનો એરિયા કહીએ એ જ્ગ્યામાં આ ખેડૂતપુત્ર પરિવારે કયારી અને કેટલાક કુંડા મુકી રોજબરોજની શાકભાજીનો બગીચો જ બનાવી દિધો.

પરીકથા જેવું લાગે છે ને??
પણ સાચ્ચે જ રસોડાથી ખેતર માત્ર દસ ડગલાં દુર સર્જી દીધેલું છે. ટમેટા રીંગણ ગવાર મરચાં દુધી કારેલા મેથી પાલખ લીંબુ ડુંગળી લસણ કોથમીર જેવી કેટલીય શાકભાજી કેટલી નાની જગ્યામાં ઉગાડેલી છે. મજાની વાત તો એ છે કે પરિવાર આખોય નવરાશની પળોમાં આ ખેતીની પ્રવૃતિનો આનંદ લે છે. રોજીંદી વપરાશનું મોટાભાગનું શાકભાજી એ ઘરે જ ઉગાડી લે છે અને વાપરતા વધે એ સગા-વહાલાઓને વહેંચી દઈ સંબધોની ગાંઠ મજબુત બનાવે છે. વાતો વાતોમાં એમણે કહ્યુ કે ટચુકડા ઈઝરાયેલમાં લોકો એકે એક ઈંચ જગ્યા એગ્રીકલ્ચરમાં વાપરે છે. ત્યાં દરેકના ઘર-બાલ્કની-ટેરેસમાં કોઈને કોઈ રીતે પ્લાન્ટ ઉગાડેલા જ હોય્. ત્યાં માત્ર દેખાવ માટેના ફુલછોડ ઓછા જ જોવા મળે, દરેક વ્યક્તિ પોતને જોઈતું અનાજ જાતે જ ઉગાડી લ્યે છે.
ખૂબ ગમી ગઈ આ વાત..!!

આપણે પણ આપણી અંદરના સર્જકને આપણી અંદરના ખેડુતને જાગ્રત કરવાનો સમય આવી જ ગયો છે.

વધતીજતી મોંઘવારી કરતાય મોટો પ્રશ્ન છે રાસાયણિક ખાતર અને દવાઓની આડઅસરથી બચવાનો ઉપાય શોધવો એ. દરેક વ્યક્તિ ફ્લેટ હોય કે ઓટલા-ઓસરીવાળુ ઘર….રોજીંદી જરુરિઆતનું શાકભાજી જાતે જ ઉગાડી લેવાનો શોખ
ઝનૂનથી અપનાવી લઈ ભવિષ્ય માટે તૈયાર થવાની ખૂબ જરુર છે.

 

હેપ્પી રાંધણછઠ

નાની હતી, સ્કૂલમાં ભણતી હતી ત્યારે ‘મારો પ્રિય તહેવાર’ પર નિબંધ લખવાનો હોય તો દિવાળીના તહેવાર પર ચારપાના લખી કાઢતી, મને યાદ છે એક વાર આટલો લાંબો નિબંધ લખવા બદલ સજા રુપે ઝીરો માર્ક્સ મળેલા.
ટીચરમેમ વસુધાબેને ધમકાવીને કહેલું કે શું મારે તારી એકલીનું પેપર ચેક કરવાનું છે??

ખેર, એ તો લખવા ખાતર લખેલો નિબંધ હતો,અસલમાં દિવાળી કરતાં મને દિવાળીની તૈયારી રુપે થતાં જાતજાતના નાસ્તાનો મોહ, કેટલી બધી મહેનત કરીને મઠીયા-સુંવાળી વણ્યા હોય, જેવા તળવાનું શરુ થાય એ સાથે મારું ઝાપટવાનું પણ શરુ થઈ જતું. મંમી કે દાદીમા જે કોઈના ઘરે મળવા જાય દરેક વખતે એમની સાથે જવાનું અને બધાના ઘરના મઠીયા-સુંવાળીની પ્લેટો ખાલી કરવાની જ્.

બીજો ખુબ ગમતો તહેવાર હતો આ રાંધણછઠ-સાતમ. (જોકે એના પર નિબંધ લખ્યો નહતો.)

સવારથી મંમીનું કીચન ચાલુ થઈ ગયું હોય. પુરી-ઢેબરા-વડા-કંકોડાનું શાક-દુધપાક અને ઘેંશ..( હા.ઘેંશ..કણકીને છાશમાં રાંધીને કૈક મસ્ત બનતું જેનું નામ આ જ હતું) પુરી પણ મસાલાવાળી અને ગળી એમ બે પ્રકારની બનતી.
સાતમના દિવસે મંમી શીતળાસાતમની પુજા કરીને અમને હાથમાં કંકુવાળા ચોખા આપે, જમણા હાથમાં રાખીને ડાબા હાથથી ઢાંકી સાતમની વારતા સાંભળવાની.
છેલ્લે બોલે…જેવા શીતળામાને ફળ્યા એવા બધાને ફળજો.
ત્રીસ વર્ષ થયા મંમીના હાથનું ઠંડુ ખાધે…!!
ત્રીસ વર્ષ થયા મંમી ની કહેલી વારતા સાંભળ્યે…!!
લગ્ન પછી સાસુમાના ઘેર આગલા દિવસે બનાવીને બીજા દિવસે ખાવાનો રિવાજ જ ના હતો. સાસુમાના ઘેર ૩૬૫ દિવસ ચુલો પેટવવાનો, રોજ રસોઇ કરવાની અને રોજ ખાવાની.

જીવનમાંથી નીકળી ગયેલા આ તહેવારની સોડમ આજે પણ એટલી જ તરોતાજા છે, આજે પણ ગળીપુરીની મહેંક દિલને લુભાવે છે, અડોશ-પડોશમાં તળતા ઢેબરાની સુગંધ મંમી પાસે પહોંચાડે છે.

હેપ્પી રાંધણછઠ

જૂની પેઢી ને નવી પેઢી ફેસબુક જેવા માધ્યમ પર એક તણખલું પણ સુનામીની જેમ ફેલાઈ જાય છે એ આપણે સૌ જાણીએ જ છીએ. એક એપ…જે તમને ત્રીસવર્ષ પછી તમે કેવા દેખાશો એનું કાલ્પનીક ચિત્ર આપે છે, લોટ્સઓફ મિત્રોએ આ એપ થકી એમનું ઈમેજીનરી પીક અહીં શેર કરેલું. સમય બહુ મોટી માયા છે, એ ડાકુ પોતાની બુકાની છોડે અને એનો વરવો ચહેરો બતાવે ત્યારે ભલભલી હુસ્નની મલેકાઓ અરીસાને નફરત કરવા માંડે છે તો હું તો એક સામાન્ય સ્ત્રી છું, મેં મારા એ સ્વરુપની કલ્પનાથી જ દૂર ભાગુ છું. પણ આજે ચુલબુલી સખી Janak Parmar જનક પરમારનો આવા જ અંદાજનો વીડીયો જોયો, વૃધ્ધ બનેલું કપલ અરીસા સામે હજુપણ રોમાન્સ કરે છે અને સમય જાણે હસીને કહી રહ્યો છે હવે નીકળ અરીસાની બહાર…!! આ વાત પર મુકેશ જોશીનો શેર યાદ આવ્યો. “હું શિખર પર છું, તું ચાલી જા હવે, તું નહીં જોઈ શકે મારું પતન…!!” આજે આપણે એપની મદદથી ઉંમરલાયક બનવાની બનાવટી મૌજ લઈએ છીએ ત્યારે ગણતરીના વર્ષો પહેલાં જ ચાલીસીએ પહોંચતા જ તેમની ઓળખ વડીલ તરીકેની સ્થપાય તેની તાલાવેલી રહેતી. ભાઈ કે બહેન હજુ ચાલીસે પહોંચે ત્યાં વડીલ બનવાના અભરખામાં તેમનો પહેરવેશ હાલચાલ રીતભાત બધામાં વૃધ્ધત્વની છાંટનું ઉમેરણ થઈ જતું. જીન્સ/શોર્ટસ કે ટી શર્ટસ તો લબરમૂછીયા યુવાન જ પહેરતાં, ભરજવાનીમાં બની બેઠેલા આ વડીલો જભ્ભો-લેંઘો-કોટી પહેરતા અને બહેનો બા ટાઈપના સાડલાં વીંટાળતી. કેટલાંક તો વળી આવી ભરજવાનીમાં જ હાથમાં લાકડી પકડવાના સપના જોતા,ને બયરા મંદીર ને માળા ને જ સાચુ સુખ ગણતાં. ઉંમર અને દેખાવ-વર્તણુંક માટેના મારા વિચારો માતે શંકા જાય તો અશોકકુમાર-રાજેન્દ્રકુમાર-મનોજકુમાર ના પિકચર જોઈ લેવા. ખરેખર તેઓ ૩૦-૩૨ વર્ષની વયે પણ ૫૦-૫૫ વટાવી ચુક્યા હોય તેવા દેખાશે. પથ્થર કે સનમ માં મનોજકુમાર પેલું ગીત ગાય છે…”તૌબા યે મતવાલી ચાલ….” ખરેખર આજની તારીખે એ ગીતમાં જાણે ૬૦-૬૫ વર્ષનો ડોહો બે છોકરીઓ પટાવવા નીકળ્યો હોય એવું તમને ના લાગે તો મારે આ પોસ્ટ ટાઈમલાઈન પરથી હટાવી લેવાની. આજે પણ આપણી વચ્ચે એવા અકાળે વડીલ બની ગયેલા સ્વજનો છે જેઓ અવારનવાર કહેતા હોય છે કે અમારા વખતમાં મર્યાદા એટલી હતી કે મેં મારા બાળકોને તેડીને રમાડ્યા જ નહીં, બાપા ઘરમાં હોય ત્યારે બૈરી-છોકરાને નામ દઈને બોલાવતા જ નહોતા, તો સ્ત્રીઓ તેમના બાળક્ના નામે પતિને બોલાવતી કે પછી ‘કહુ છું સાંભળો છો’ અને ‘તમારા ભાઈ’ સાવ હાથવગુ હતું. એક જમાનમાં ડોર ટુ ડોર સેલ્સમેન કે ટેકનિશ્યન આવે તો ઘરમાં વડીલ હોય એની જ સાથે વાત કરતાં…પણ…સમય બદલાઈ ગયો, હવે કોઈ સેલ્સમેન આવે તો મારા જેવી અડધે પહોંચેલાને જોઈને પુછે છે કોઈ યંગ નથી ઘરમાં? નવી પેઢીની ગેરહાજરીમાં એ બિચારા અમારી સાથે બથોડા મારી જોવે અને એમની ટેકનીકલ વાતોમાં ટપ્પી ના પડતાં તેઓ એમના શસ્ત્રસરંજામ સંકેલી ચાલતા થાય છે . આવા કેટલાય ના ગમતા અનુભવોની ઘૂટન જ કારણભૂત છે કે સીનીયર બની રહેલી આ પેઢીએ જીવન માણી લેવાનો અભિગમ અપનાવી લીધો છે. ઘરના ખૂણે બેસી રહેનારી મહિલાઓ પણ જીમવેર અને જીન્સ ટી પહેરી કાફેમાં મૌજ કરી લેતી જોવા મળે છે, અને પચાસ વટાવી ચુકેલ પણ જે ઝડપે મોબાઈલ-નેટ-પેનડ્રાઈવ-બ્લ્યુ ટુથ પર હાથ ફેરવે છે,જે ઝડપે ફેસબુક-ટવીટર કે ઈન્સ્ટાગ્રામ ફેંદે છે કે એમને અંકલ કે આંટી કહેતા વિચારવું પડે. એપ ભલે તમને ઘરડાં બતાવે પણ હવે કોઈને અંકલ કે આંટી બનવું નથી, સિનિયર સીટીઝનોએ જમાના સાથે તાલ મેળવવા મહેનત કરવા માંડી છે, એમના પરિધાન્-ફેશન-ફીટનેસ- જીવનશૈલીમાં સફળતાપુર્વક બદલાવ લાવી શક્યા છે. ટીવી સીરીયલ્સ કે મૂવી જ લઈ લો ઉદાહરણ તરીકે…ટીકટૉકે જનક-દુર્ગેશને એમનું જે લૂક બતાવ્યુ એવા લૂક ના કોઈ દાદા-દાદીના રોલમાં છે?? શોધ્યા ય નહીં જડે સાહેબ્..!! -rita

દોસ્તી

ફિલ્મોમાં કે વાર્તાઓમાં ઘણીવાર વાંચ્યુ કે ૩૦-૪૦ વર્ષે બે મિત્રો એકબીજાને મળે છે, પણ ઝુકરના આગમન પહેલાં રીયલ લાઈફમાં આવું બનતું નહતું.
ત્રણ-ચાર દાયકાના સમયના સપાટાએ બેઉના દેખાવ-હાલહવાલ એટલા બધા બદલી નાખ્યા હોય છે કે ચાલીસ વર્ષ પછી અનાયસે સાથે બેસીને બસમાં મુસાફરી કરે તો પણ એકબીજાને સહેજે ઓળખી ના શકે.

પણ આ ઘટના રીયલ લાઈફની છે,અને વિશ્વાસ કરો એ સાવ સાચી હકીકત છે.
કહેવાય છે કે પ્રેમ ક્યારેય નથી મરતો. એ વરસો વરસ જીવિત રહે છે. અને પછી કહેવાય છે ને કે “યદિ કિસી કો પુરે દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મે લગ જાતી હૈ”

નયના જયારે ત્રીજા-ચોથા-પાંચમા ધોરણમાં ભણતી ત્યારે સંજય નામે એક છોકરો પડોશમાં રહેતો,અને એના જ ક્લાસમાં ભણતો. અડોસપડોશમાં રહેતા બીજા બાળકો અને સાથે ભણતાં બાળકો પૈકી આ બેઉ એકબીજાના મઝાના દોસ્ત બની ગયેલા. નયનાના કહેવા મુજબ, પાંચપૈસાની ચાર નારંગીની ગોળીઓ લેતા ત્યારે બેઉ એકબીજાને એમાંથી એક ગોળી અવશ્ય આપતાં.થપ્પો કે લંગડી રમતા ત્યારે બેઉ એકબીજાને સ્પોર્ટ થાય એવું રમતા, જેથી કેટલીકવાર કોઈ અંચયડા પણ કહી જતાં.

છઠ્ઠા ધોરણમાં આવતા નયનાના પપ્પાની બદલી થઈ અને રાંચી છોડી વડોદરા આવી ગયા. બેઉની બાળપણની દોસ્તી માત્ર યાદગીરી જ બની ગઈ.

લગભગ ચાર દાયકા પછી ફેસબુકના માધ્યમથી નયના-સંજયનો ફરી મેળાપ થયો.નયના વિદ્યાનગરમાં પોતાનું એક જીમ ચલાવે છે અને સંજય બદ્રીનાથમાં હેલૉકોપ્ટરનો પાઈલોટ છે. ત્રણ-ચાર વર્ષથી સંજયનું આમંત્રણ પેન્ડીંગ હતું જેને દસેક દિવસ પહેલાં જ મુલાકાતનો આકાર અપાઈ ગયો. નયના એની મોટીબહેન દક્ષાને લઈને દહેરાદુન પહોંચી ગઈ. દહેરાદુન એરપોર્ટ પરથી જ સંજયના મહેમાન બની સતત ચાર દિવસ સુધી હેલીકોપ્ટરમાં હિમાલયની સેર કરાવી એ બાળપણના મિત્રે..!!

સમય જતાં આપણે બદલાઈ જઈએ સમય બદલાઈ જાય કે સંજોગો..
પણ એકવાતનો હજી વિશ્વાસ છે કે જો દોસ્તીમાં એ નિખાલસ પ્રેમનું તત્વ મૌજુદ રહેશે તો એ દોસ્તી ગુમાવવાનો ડર નથી રહેતો કે નથી આવા સંબધોનું મુલ્ય કમ થઈ જતું.

કેવી અજબ માયા છે આ…હે ને??

આગાહી…. આગોતરો અંદેશો… કયારેક આપણને એવો અંદેશો કે એવી ગુડફીલીંગ આવી જતી હોય છે કે કશુંક શુભ-મંગળ થવાનું છે… અથવા તો કયારેક એવાં ભણકારા વાગે કે પછી જાણે અજાણે દિલ બેસી જતું હોય એવુ ફીલ થાય અને છૂપો ડર મહેસૂસ થાય કે હવે કશુંક અજુગતું બની જશે. આવા કુદરતી સંજોગો સામે આપણી છઠ્ઠી ઈન્દ્રીય આપણને આગોતરી જાણ કરતી હોય એવું ઘણીવાર ઘણા બધાને બનતું જ હોય છે. પણ.. મારી સાથે આવું કયારેય નહોતું થયું. કયારેય મારા વહેલી પરોઢના કે પાછલા પહોરના સપના સાચા નથી પડયાં. .. તમને થશે આટલી મગજમારી રીટાબેન કેમ કરે છે તો કહી દઉ એક સપનું થોડુ ઘણું સાચું પડયું છે. ગઇરાત્રે ઉંઘમાં/ સપનામાં હું રડતી હતી…. ઉંઘમાં મારી આ રડવાની ક્રિયાથી પતિદેવ ડિસ્ટર્બ થયા અને મને હચમચાવીને જગાડી પૂછયું. ..રીટા શું થાય છે? કેમ રડે છે? સવારે ચ્હા નાસ્તા સાથે એમણે ફરી આ વાત કાઢી અને પૂછયું …તું કેમ રડતી હતી ઉંઘમાં? ભૂત બૂત જોયું હતું કે શું? સપનું યાદ કરીને મેં કહ્યું. .. આપણાં બેઉનો ખૂબ ઝગડો થયેલો અને મેં ફોન પછાડીને તોડી નાખેલો અને એના પર પગ પણ પછાડેલા. સાંભળીને પતિદેવ ઘૂરકયા… એમાં રડવાની જરૂર તો મારે હોય તું કેમ રડી? ખબર નથી પણ સ્ત્રીઓએ રડવું જોઈએ એટલે રડી હોઈશ…મેં જવાબ આપ્યો. મજાક મસ્તી માં સવાર પૂરી થઈ. કામકાજથી પરવારી મોબાઈલ ફોન સોફાના હેન્ડલ પર મૂકી સોફા પર લંબાવ્યું અને ટેબ પર કેન્ડી ક્રશ રમવાનું શરૂ કર્યું. દરમ્યાનમાં કયારે મોબાઈલ પર હાથ અડી ગયો એની ખબર ના પડી. પણ એ ઝાટકા સાથે જમીન પર પછડાયો. મોબાઈલ પર હોળીના રંગ વેર્યા હોય એવો કલરફૂલ સ્ક્રીન જોઈને ખ્યાલ આવી ગયો કે હવે આ ફોન ટોટલ લોસમાં જવાનો. સાંજે વરરાજા ઘેર આવ્યા ત્યારે એમને બતાવી ને કહ્યું હવે મારે નવો ફોન લેવો પડશે.. મને એવી આશા હતી કે એ મારા આ એકસીડેન્ટને માફ કરી મને સરસ નવો ફોન લઈ જ આપશે. પણ… એમણે કહી દીધું. ..તારું સપનું ઉંધેથી અડધું સાચું પડયું છે. .હજી અડધું બાકી છે. એ પ્રમાણે આપણો ઝગડો તો હવે થવાનો એ નકકી જ છે.અને ત્યારે તું એ નવો ફોન પછાડે તો નુકશાન કોણ ભોગવશે? એના કરતાં હવે ઝગડો થઈ જાય ત્યાં સુધી તું જૂના પડી રહેલા ફોનમાં તારું સીમકાર્ડ નાખી દે. નિરાશ થઈ મેં કહ્યું. .. કુદરત કેવી અકળ છે.. આગોતરો અંદેશો આપ્યો હતો એને હું જ ઓળખી નહોતી શકી… જે હવે છેક સમજાયું… તો કહે છે શું સમજાયું તમને રીટારાણી? એજ… હું કેમ રડતી હતી એ… હવે નવા ફોન માટે મારે કેટલું રડવાનું છે એ મને સપનાં માં આવી ગયેલું. -દુઃખી રીટા..